‘ઝરૂખો’માં કવયિત્રી સંમેલન. 

મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી અને શ્રી સાંઈલીલા વેલ્ફેર ટ્રસ્ટ (બોરીવલી)ના સહયોગથી ‘ઝરૂખો’માં કવયિત્રી સંમેલન.

 

માર્ચ 2018ના ‘કુમાર’ના અંકમાં મારી લઘુકથા ‘ચિંતા’.

માર્ચ 2018ના ‘કુમાર’ના અંકમાં મારી લઘુકથા ‘ચિંતા’..

~ ચિંતા ~

દિવ્યાબેને દરવાજો ખોલ્યો ને અથર્વ ‘મમ્મા.. મમ્મા,’ બોલતો દોડીને અવનીને વળગી પડ્યો. એક હાથમાં પર્સ, શાકની થેલી અને બીજા હાથમાં કોર્નફ્લેક્સના પેકેટવાળા બે હાથ એના ફરતે વીંટાળીને અવનીએ થોડું વ્હાલ કરી લીધું.

એણે હાથમાંની થેલીઓ બાજુ પર મૂકી અને સોફા પર બેઠી. અથર્વ આવીને ખોળામાં બેસી ગયો. દિવ્યાબેન પાણી લઈ આવ્યા.

‘અરે મમ્મા થાકી ગઈ છે બેટા.. થોડીવાર બેસવા દે એને.. નાની પાસે આવ…’ બોલતાં દિવ્યાબેને અથર્વને તેડવાની કોશિષ કરી પણ એણે અવનીને વધુ જોરથી પકડી લીધી.

‘આજે મોડું થઈ ગયું બેટા..’ એમણે અવનીને પૂછ્યું.

‘હા મમ્મી, માર્કેટ થતી આવી. આવતીકાલ માટે શાક નહોતું અને કોર્નફ્લેક્સ પણ ખલાસ થઈ ગયેલા.. હજુ તો પરિતા પાસે જવાનું છે..એને દીકરી આવી ગઈકાલે..’

‘આપણે પરિતા આંટીના ઘરે જશું?’ અથર્વ તાળી પાડતાં બોલી ઉઠ્યો.

‘ના બેટા.. ઘરે નહિ હોસ્પિટલમાં..’

‘ઘરે જશું મમ્મા, મારે કીટન જોવી છે,’ અથર્વ ખુશ થતાં બોલ્યો.

‘અત્યારે પરિતા આંટીને મળવા હોસ્પિટલ જઈશું.. એમને નાનું બેબી આવ્યું છે ને.. ઘરે પછી જઈશું હો..’ અવની બોલી.

‘નાનું બેબી?’ અથર્વની આંખો ચમકી. એણે બે પળ કશુંક વિચાર્યું અને દિવ્યાબેનની નજદીક સરક્યો.

‘મમ્મા, પણ પરિતા આંટી પાસે તો ‘નાની’ નથી.. તો પછી એ ઑફિસ જશે ત્યારે એમના બેબીને ક્યાં મુકીને જશે?’ એ નાનકડા ચહેરા પર ચિંતાની રેખાઓ અંકાઈ ગઈ.

અવની અને દિવ્યાબેન એકમેક સામે મોં વકાસીને જોતાં રહ્યાં!

~~ રાજુલ ભાનુશાલી

‘જન્મભૂમિ સમાચારપત્ર’ અને ‘સાહિત્ય સાનિધ્ય’ સંસ્થા દ્વારા યોજાયેલ ‘અનોખી વાર્તા સ્પર્ધા (2018)’માં  લખવાની હતી મારી વાર્તા ‘ટકોરા’ને દ્વિતીય પુરસ્કાર 

‘જન્મભૂમિ સમાચારપત્ર’ અને ‘સાહિત્ય સાનિધ્ય’ સંસ્થા દ્વારા ‘અનોખી વાર્તા સ્પર્ધા (2018)’ યોજાઈ હતી. જેમાં ગુજરાતી સાંપ્રત કવિની કોઈ રચનાના ભાવાર્થ-બીજના આધારે વાર્તા લખવાની હતી. મારી વાર્તા ‘ટકોરા’ને દ્વિતીય પુરસ્કાર મળેલું.

વડીલ શ્રી વિજયભાઈ રાજ્યગુરુની કાવ્યકૃતિ ‘બળાત્કાર ભોગ્યાના સોરઠા’ના વિચારબીજને મેં વાર્તામાં વણ્યો. વિજયભાઈનો ગુજરાતી સાહિત્યને આવી અદ્દભુત કૃતિ આપવા બદ્દલ આભાર.

~~ ટકોરા ~~

‘યહાં ઔરતેં બીકતીં હૈં’

કંચનને આ બોર્ડથી સખત ચીડ હતી. ન જાણે કેટલીય વાર એ મૌસીને આ બોર્ડ પરનું લખાણ બદલવા માટે આજીજી કરી ચૂકી હતી, પણ મૌસી ક્યારેક હસીને તો ક્યારેક ચિડાઈને વાત કાપી નાખતી.

ફરી ત્યાં નજર પડી ને એ થૂંકી.

એને લાગતું કે અહીં ‘યહાં જિસ્મ બીકતા હૈ’ હોવું જોઈએ. સ્ત્રીને ભલા કોણ વેચી શકે અને એટલી હેસિયત પણ કોની કે એને ખરીદી શકે? સ્ત્રીના શરીરને એની આત્માથી અલગ કરી શકે એટલી હેસિયત કોઈની નથી. પરંતુ એક રાત માટે પૈસા આપીને આવતો ઘરાક તો એમ જ સમજતો હોય છે કે એણે જાણે આત્માનેય જાણે ન ખરીદી લીધી હોય!

“શા માટે લોહી ઉકાળા કરે છે?” બાજુમાં જ સજીધજીને ઉભેલી વાસંતી બોલી.

“ઔરત લખ્યું હોય કે શરીર, શો ફરક પડે છે?”

“પડે છે ફરક.. શરીર ખરીદી શકાય, આત્મા નહિ!” કંચન બોલી.

વાસંતીએ કંચનના હથેળી પર મૃદુતાથી હાથ ફેરવ્યો અને આંગળીઓના અંકોડા ભેરવ્યા. એક હુંફાળું સ્પંદન બન્ને સ્ત્રીઓના શરીરમાંથી પસાર થઈ ગયું. બે હથેળીઓએ આપસમાં ન જાણે શા હાવભાવની આપલે કરી કે બેચાર ક્ષણો પણ આત્મીયતા અનુભવતી એકબીજાને સ્પર્શીને સ્થિર થઈ ગઈ.

વાસંતી હસી. “આ આત્મા બાત્મા છોડ.. ઘરાક નહિ મળે તો પૈસા નહિ મળે.. અને પૈસા નહિ મળે તો મૌસી જમવાનું નહિ આલે.. અને મને ભૂખ્યા પેટે ઊંઘ નથી આવતી તું જાણે છે ને.. પછી..”

“પછી શું?” કંચને લુચ્ચું હસતાં પૂછ્યું.

“પછી શું? હું તને ખાઈશ.. બીજું શું?” આંખો નચાવતાં વાસંતી બોલી. એણે ગાલ સાથે અડપલાં કરતી લટને બે આંગળીઓ વચ્ચે લઈને લટકાથી પાછળ ધકેલી.

દરરોજ સાંજ પડે ને અહીં લાલી પાવડરના ડબ્બા ખૂલી જતાં. ચાલીમાં કતારબંધ રંગબેરંગી ચટક મટક કપડાં અને લટકા ચટકા કરતી આંખો અને હાથ દેખાતાં. રાત જેમ જેમ ઘેરી થતી જતી, તેમ તેમ બે જાંઘ વચ્ચેના સૂર્યનો ઉત્સવ પણ રંગ પકડતો જતો.

“ચલ..” બોલતાં એક ઘરાકે કંચનનું બાંવડું જાલ્યું.

“ચલો સાયેબ..લેકિન પહેલે હી બોલ દેતી હું

હોઠકા ચુમ્મા નહિ દૂંગી.. વોહ તો સિર્ફ..” ઢસડીને લઈ જતાં ઘરાક સાથે એના બાકીના શબ્દો પણ ઢસડાઈ ગયા!

વાસંતીના શરીરમાંથી લખલખું પસાર થઈ ગયું. એને આવી જ રીતે પોતાને રૂમની અંદર ઢસડીને લઈ જતો સાવકો બાપ યાદ આવી ગયો અને સાથે યાદ આવી ગયો ઘરમાં વીતાવેલો એ છેલ્લો દિવસ.

સાંજ બિલ્લીપગે બાલ્કનીમાં ઉતરી આવી હતી પણ હજી અંધારું થયું નહોતું. તડકાનાં જે થોડાંક ચોસલાં અહીં તહીં વિખેરાયેલા હતાં એ પણ થોડીવારમાં ઓગળી જવાના હતાં. અંધકારના ઓછાયાએ ઘરની અર્ધી દીવાલો પર અડીંગો જમાવવા માંડ્યો અને આખા ઘરનો આકાર જ જાણે બદલાઈ ગયો! જલ્દીથી પોતાની જાતને સમેટતી વાસંતી ધસમસતી રૂમમાં આવી. ફટાફટ એણે લાઈટની બધી સ્વીચો ચાલુ કરવા માંડી.

સોળ વર્ષની વાસંતીને એવું લાગ્યું જાણે અસંખ્ય કરોળિયાઓ એના શરીર પર ફરી રહ્યાં છે! એણે પોતાના હાથપગ, કપડાં, વાળ જોરથી ખંખેર્યાં. પણ બધું જ વ્યર્થ! એ ત્યાં જ જમીન પર ટુંટિયુંવાળીને બેસી પડી. એ જાણતી હતી કે વીતી ગયેલી રાત અને આવનારી રાત વચ્ચે કોઈ ફરક રહેવાનો નથી, છેક સવારનું અજવાળું ખુલવા નહિ લાગે ત્યાર સુધી. એ આવનારા અંધકારને સહન કરવાની હિંમત ભેગી કરવામાં પડી.

બારણે ટકોરા પડ્યા. માએ દરવાજો ખોલ્યો જ હશે. એ થોડીક વધુ સંકોચાઈ. કાશ.. આ ક્ષણ અહીં જ થોભી જાય. પણ સમય ક્યાં કદી કોઈની કાકલુદીથી રોકાયો છે જે વાસંતીના કહેવાથી રોકાય! ન જાણે કેટલીય વાર એ પડી રહી.

થોડીવારે દરવાજો ખુલવાનો અવાજ આવ્યો. એની આંખો ખૂલી ગઈ. બે હાથોએ વાસંતીને ઢસડીને પલંગ પર ફેલાવી દીધી. એના ભયથી થથરતાં આછા ગુલાબી હોઠ પર જોરથી પોતાનો ખરબચડો અંગુઠો રગડ્યો અને સાથળો વચ્ચે કચકચાવીને પગ મુક્યો. વાસંતીને લાગ્યું જાણે એની છાતીની બે ટેકરીઓ વચ્ચે ગરોળી પેસી ગઈ છે. એ થથરી ઉઠી!

એણે આંખો મીંચી દીધી. એ હાથની રુક્ષ હથેળીઓ, એની આંગળીઓ, એના દજાડતો શ્વાસ.. આંખ બંધ કરી દીધા પછી પણ એ એમાંથી છટકી શકી નહિ. એનાથી હળવી ચીસ પડાઈ ગઈ. આંખો ખુલી ગઈ. ઉપર ઝળુંબતો દેખાયો એનો સાવકો બાપ. એના અંગેઅંગને એ ખરબચડા હાથ રગદોળી રહ્યા હતાં.

‘કોંટા ફૂટ્યા કારમા, છાતી માથે આગ,
ના એ નો’તા હાથ, બળબળતા સૂરજ હતા!’

અંગેઅંગ દાઝી રહ્યું હતું. એણે જોયું શરીરનાં કુમળા કેનવાસ પર ઉઝરડાં પડી ગયાં હતાં અને એમાંથી લોહીની ટશરો ફૂટી આવી હતી. અંગેઅંગમાં પીડા ફરી વળી હતી. બાપની લબકારા મારતી જીભ એ ઉઝરડાં પર ફરવા લાગી. કાળી બળતરાથી એ તરફડી ઉઠી. એણે દયનીય ચહેરે જોયું. પેલાની લોલુપ આંખોમાંથી નરી વાસના ટપકી રહી હતી. એ ખંધું હસ્યો. એણે બમણાં ઉશ્કેરાટથી વાસંતીને ચૂંથવા માંડી.

આ યાતનામાંથી છૂટવાનો કોઈજ ઉપાય એની પાસે નહોતો. મહિનાઓથી સતત ચાલી રહેલી આ હેવાનિયત હજુ કેટલા દિવસ સહેવી પડશે? માને કશું કહેવાનો અર્થ નહોતો, એ ડરપોક હતી. એ વાસંતીને પણ ચૂપ રહેવાનું કહેતી.

પણ વાસંતી.. એ પોતાનો નિર્ણય કરી ચૂકી હતી. હિમ્મત ભેગી કરી ચૂકી હતી.

એણે હળવેકથી હાથ તકિયા નીચે સરકાવ્યો અને બપોરે છુપાવી રાખેલો દસ્તો બહાર કાઢ્યો. અને..

***

અહીંયા એને ત્રણ વર્ષ થઈ ગયા હતાં. અહીં તો ઘરાક તોય પૈસા આપીને એની સાથે સુતા. ત્યાંતો.. સારું થયું એણે અહીયાં વેચી દીધી. એ દુર્દશાથી તો આ નોકરી સારી છે. એમ પણ ત્યાં કરતાં એ અહીં વધુ સુરક્ષિત છે. મજાલ છે કોઈ ઘરાકની કે કોઈ પણ છોકરીના શરીરે એકાદ ઉઝરડો પણ પાડે. મૌસીનો આદેશ પહેલાં જ મળી ચૂક્યો હોય.

અને.. કંચન જેવી અંતરંગ સખી પણ અહીં જ મળી હતી ને! કંચનનો ચહેરો યાદ આવતાં જ એના ચહેરા પર સ્મિત આવી ગયું.

આછા અંધારામાં સામેથી કોઈ પુરુષનો પરિચિત ઓછાયો આવતો દેખાયો અને વાસંતી તૈયાર થઈ ગઈ.

‘ચલતે ક્યા સાબ?’ આંખો નચાવતા એ બોલી.

‘ચલ..’ બોલતાં પેલા પરિચિત ઓછાયાએ બાંવડું જાલ્યું.. અને રૂમનો દરવાજો અંદરથી બંધ થઈ ગયો.

***

રાત લગભગ વીતી ચૂકી હતી. ફરી નવેસરથી સૂર્ય ઉગી ચૂક્યો હતો. ક્યાંક દૂરથી મંદિરમાં થતો ઘંટારવ સંભળાઈ રહ્યો હતો. કંચન ક્યારની જાગી ગઈ હતી. એણે વાસંતીના ગાલ પર મૃદુતાથી હાથ ફેરવ્યો. વાસંતીએ આંખો ખોલી. કંચને એના હાથમાં ચાનો કપ પકડાવ્યો. અજવાળાએ ચોતરફથી ટકોરા દઈ દીધા હતાં.

~~ રાજુલ ભાનુશાલી

~~~~~~~~~

~ બળાત્કાર ભોગ્યાના સોરઠા ~

ખેડી નાંખી જાંઘને, રેલ્યા ઘોડાપૂર,
મારે રોમે રોમ, કોંટા ફૂટ્યા કારમા!

કોંટા ફૂટ્યા કારમા, છાતી માથે આગ,
ના એ નો’તા હાથ, બળબળતા સૂરજ હતા!

બળબળતા સૂરજ છતાં, ઢળી બપોરે સાંજ,
નો’તા તીણા દાંત, ચટકા કાળી નાગના!

ચટકા કાળીનાગના, ચટ્ક્યા આઠે પોર,
ફણગ્યા શ્વાસેશ્વાસ, લીલાં-લીલાં ચામઠાં!

લીલાં-લીલાં ચામઠાં, આપી ‘ગ્યા નઘરોળ,
તીણે રે દંતાળ, ખેડી નાંખી જાંઘને!

~ વિજય રાજ્યગુરુ

 

‘બઝમે વફા’ બ્લોગ પર મારી ગઝલ, “એવું વળી શું છે?”

Posted by: bazmewafa | 12/21/2016

એવું વળી શું છે ?— રાજુલ ભાનુશાલી

એવું વળી શું છે ?— રાજુલ ભાનુશાલી

rajul-001

ફેસબૂક પર”ગઝલતો હું લખું”ગ્રુપના મિત્રોનો ગઝલ સંગ્રહ ‘સંગતિ’માં અઢાર ગઝલકારોની છ ગઝલો મળીને કુલ 108 ગઝલો સમાવિષ્ટ થઈ છે.’બઝમેવફા’માં અગિયારના ક્રમનાં શાયર રાજુલ ભાનુશાલીની ગઝલ  પોસ્ટ કરતાં ,અહોભાવની લાગણી વ્યકત કરતાં…”સંગતિ’ના મિત્રોનો આભારમાનું છું.

ક્રમે ક્રમે બધા શાયરોની એક એક કૃતિ ફોટા સહિત પ્રકટ કરવાની ઇચ્છા છે.આશા છે ‘સંગતિ’નાં શાયર દોસ્તો એને સ્વીકૃતિ આપશે.

..’બઝમે વફા’ 20 ડીસેમ્બ ર16

‘તાજી કલમનો તરવરાટ’માં સૂરત ખાતે ગઝલ પઠન, “ગુલફામ થઈ ગઈ છે..”

 

‘તાજી કલમનો તરવરાટ’માં સૂરત ખાતે ગઝલ પઠન, “ગુલફામ થઈ ગઈ છે..”

ઠરીને ઠામ થઈ ગઈ છે
ગઝલ ગુલફામ થઈ ગઈ છે

સમય પણ વાંકમાં આવ્યો
કે સીતા, રામ થઈ ગઈ છે!

કિનારા રૂસણે બેઠાં
નદી સુમસામ થઈ ગઈ છે.

વિચારોમાં જે વસતી’તી
તમન્ના આમ થઈ ગઈ છે

બધા શોધે છે એને,પણ-
અદબ ગુમનામ થઈ ગઈ છે

ખભા પર હાથ મૂક્યો, તો
મુસીબત હામ થઈ ગઈ છે

ભરીતી બાથમાં એને
સનમ બેફામ થઈ ગઈ છે!

~~ રાજુલ

‘તાજી કલમનો તરવરાટ’માં સૂરત ખાતે ગઝલ પઠન, “એની આ કહાણી છે..”

‘તાજી કલમનો તરવરાટ’ સૂરત ખાતે ગઝલ પઠન..

અંતથી અજાણી છે, એની આ કહાણી છે
આંખમાં જે પાણી છે, એની આ કહાણી છે..

કોખમાં જ ‘મૉરલે’ પ્રાણ છોડવા પડ્યા
જડભરત સુયાણી છે, એની આ કહાણી છે

પાંચ મોહરા અને ચાર ચોકઠાં હતાં
જાણભેદુ રાણી છે, એની આ કહાણી છે.

જિંદગીના ઝેરને ચૂપચાપ પીધું છે
એ ખરી કમાણી છે, એની આ કહાણી છે.

જે દિશે કદર થશે, લાગણી ઢળી જશે
બે હિસાબ તાણી છે, એની આ કહાણી છે.

આમ તો કશું કહેવાપણું હતું નહીં!
તે છતાં પ્રમાણી છે, એની આ કહાણી છે

~~ રાજુલ

 

‘તાજી કલમનો તરવરાટ’માં પઠન, “ભીંત ખખડાવો તો..”

આ તે કંઈ ર.પા.ની કવિતા છે
કે ભીંત ખખડે ને કાંગરા હોંકારો દે!

‘તાજી કલમનો તરવરાટ’માં પઠન..

‘તાજી કલમનો તરવરાટ’માં કાવ્યપાઠ, સૂરત.

રવિવાર તારીખ 18/12/2016ના રોજ સોનાની મૂરત જેવા સૂરતમાં કાવ્યનો જલસો થયો. ‘તાજી કલમનો તરવરાટ’માં કાવ્યપાઠ કર્યું. કિરણભાઈનો આમંત્રણ આપવા બદ્દલ હૃદયપૂર્વક આભાર અને શુભકામનાઓ..

તા.ક.
સૂરતના ભાવકોને સલામ જેમણે કવિતાને દિલથી વધાવી..

વૉટ્સઍપ સામયિક ‘શ્રી શબ્દ’ના જાન્યુઆરી ૨૦૧૭ના અંકમાં મારી બે ગઝલો..

 વૉટ્સઍપ સામયિક ‘શ્રી શબ્દ’ના જાન્યુઆરી ૨૦૧૭ના અંકમાં મારી બે ગઝલો..

                                                       shree